અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત આક્રમક પોસ્ટ શેર કરીને વિશ્વભરના રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી ઈંધણની કટોકટી અને ઈરાન સાથેના તણાવ વચ્ચે યુકે (United Kingdom) અને ફ્રાન્સ જેવા સાથી દેશોના વલણની આકરી ટીકા કરી છે.
“અમેરિકા હવે તમારી મદદ માટે ત્યાં નહીં હોય”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે દેશો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધના કારણે જેટ ફ્યુઅલ મેળવી શકતા નથી, તેમણે હવે પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે. તેમણે યુકેને ટોણો મારતા કહ્યું કે, “જ્યારે ઈરાન સામેની કડક કાર્યવાહીની વાત હતી, ત્યારે તમે સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. હવે અમેરિકા તમારી મદદ માટે ત્યાં હાજર રહેશે નહીં, જેમ તમે અમારા માટે નહોતા.”

ટ્રમ્પના બે જડબાતોડ સૂચનો:
ટ્રમ્પે સાથી દેશોને બે સ્પષ્ટ વિકલ્પો આપ્યા છે:
અમેરિકા પાસેથી ખરીદી કરો: અમેરિકા પાસે ઈંધણનો પુષ્કળ જથ્થો છે, તેથી અન્ય દેશોએ તેની પાસેથી ઈંધણ ખરીદવું જોઈએ.
જાતે લડવાની હિંમત કેળવો: ટ્રમ્પે આક્રમક અંદાજમાં કહ્યું કે, “થોડી હિંમત ભેગી કરો, હોર્મુઝ સ્ટ્રેટ પર જાતે જાઓ અને તમારો હક મેળવો (Take it). પોતાના માટે લડતા શીખો.”
ફ્રાન્સ પ્રત્યે પણ રોષ
માત્ર યુકે જ નહીં, ટ્રમ્પે ફ્રાન્સ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલો મુજબ, ઇઝરાયેલને સૈન્ય પુરવઠો પહોંચાડતા વિમાનોને ફ્રાન્સે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી. ટ્રમ્પે આ અંગે કહ્યું કે, ફ્રાન્સનું આ વલણ “બિલકુલ મદદરૂપ નહોતું” અને અમેરિકા આ વાતને હંમેશા યાદ રાખશે.

ઈરાન મામલે કડક સંદેશ
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પરની કાર્યવાહીનો સૌથી મુશ્કેલ ભાગ હવે પૂરો થઈ ગયો છે અને ઈરાન એક રીતે ‘નિષ્ક્રિય’ (Decimated) થઈ ગયું છે. હવે બાકીની જવાબદારી સાથી દેશોએ પોતે લેવી પડશે. ટ્રમ્પના આ ‘અમેરિકા ફર્સ્ટ’ વલણથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઉથલપાથલ થવાની અને રાજદ્વારી સંબંધોમાં ખાઈ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
