અમરેલી : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કુદરતી આફતનો સિલસિલો યથાવત છે. સતત ત્રણ દિવસથી ધ્રૂજી રહેલી અમરેલીની ધરાએ આજે મધરાતે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. રાત્રિના 2:24 મિનિટે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા સહિતના દરિયાકાંઠાના પંથકમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર આ આંચકાની તીવ્રતા 3.7ની નોંધાઈ છે.
મહુવા પાસે નોંધાયું કેન્દ્રબિંદુ
ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી અંદાજે 32 કિલોમીટર દૂર નોંધાયું છે. મધરાતે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક પલંગ અને વાસણો ધ્રૂજવા લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભયના માર્યા લોકો પોતાના માસૂમ બાળકો સાથે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. ખાસ કરીને મીતીયાળા પંથકમાં સતત બે દિવસથી આંચકા અનુભવાઈ રહ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ફાળ પડી છે.
રાજુલામાં મકાનોને નુકસાન અને CCTV વાયરલ
આ ભૂકંપની અસર માત્ર અનુભવાઈ જ નથી, પરંતુ તેનાથી નુકસાનના સમાચાર પણ સામે આવ્યા છે. રાજુલા શહેરમાં અનેક રહેણાંક મકાનોની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે. આ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ભૂકંપના સમયે ધરતી ધ્રૂજતી અને લોકોમાં મચેલી અફરાતફરી સ્પષ્ટ જોઈ શકાય છે.
સતત ધ્રૂજતી ધરાથી તંત્ર સતર્ક
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે સતત ભૂગર્ભીય હલચલ વધી રહી છે, તેને જોતા વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આ પાછળના કારણો તપાસી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતોને થયેલું નુકસાન ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા લોકોને ગભરાયા વગર સાવચેત રહેવા અને કાચા મકાનોમાં ન સૂવા અપીલ કરવામાં આવી છે.