આણંદ: જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને આંકડાકીય વિગતો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કરમસદ-આણંદ મહાનગરપાલિકા, 6 નગરપાલિકાઓ, 40 જિલ્લા પંચાયત બેઠકો અને 192 તાલુકા પંચાયત બેઠકો માટે આ મતદાન યોજાશે.
બિનહરીફ બેઠકો અને હરીફ ઉમેદવારો
ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે:
- આણંદ મહાનગરપાલિકા: કુલ 12 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં વોર્ડ નં. 6 સંપૂર્ણ બિનહરીફ જાહેર થયો છે. હવે અહીં 100 ઉમેદવારો મેદાનમાં છે.
- નગરપાલિકાઓ: પેટલાદમાં વોર્ડ નં. 3 બિનહરીફ થયો છે. ઉમરેઠ, બોરસદ સહિતની પાલિકાઓમાં કુલ 12 બેઠકો બિનહરીફ થઈ છે.
- પંચાયત: જિલ્લા પંચાયતમાં 3 બેઠકો (ચિખોદરા, પાળજ, વણસોલ) અને તાલુકા પંચાયતમાં 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
ઇવીએમ (EVM) અને મતદાન મથકોનું આયોજન
ચૂંટણી પ્રક્રિયા માટે આધુનિક મલ્ટીચોઇસ અને સિંગલચોઇસ EVM ફાળવવામાં આવ્યા છે.
- મતદાન મથકો: જિલ્લામાં કુલ 1700 મતદાન મથકો ઉભા કરાયા છે.
- સુરક્ષા: 400 સંવેદનશીલ અને 71 અતિસંવેદનશીલ મથકોની ઓળખ કરી ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.
- સ્ટાફ: અંદાજે 10,000 જેટલો મતદાન સ્ટાફ આ ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા કાર્યરત રહેશે.
મતદારો માટે વિશેષ વ્યવસ્થા અને શાહીનો નિયમ
ગરમીના પારાને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું શુદ્ધ પાણી, છાંયડો (શેડ) અને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ નોંધ: 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી હોવાથી, જે મતદારોએ ત્યાં મતદાન કર્યું હશે તેમના ડાબા હાથની તર્જની (પહેલી આંગળી) પર શાહી હશે. આથી, 26 એપ્રિલની સ્થાનિક ચૂંટણી વખતે આવા મતદારોને ડાબા હાથની વચલી આંગળી પર અવિલોપ્ય શાહી લગાવવામાં આવશે.
મતદાનનો સમય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો સમય સવારે 07:00 થી સાંજના 06:00 કલાક સુધીનો રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ નાગરિકોને નિર્ભય થઈને મતદાન કરવા અપીલ કરી છે.
