સુરત: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પક્કડ મજબૂત કરવા કમર કસી છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબે સુરતના વોર્ડ નંબર ૨૩, ૨૪, ૨૮ અને ૨૯ ના કાર્યકર્તાઓ સાથે ‘ચા ની ચુસ્કી’ સાથે ગોષ્ટી અને આત્મીય સંવાદ કર્યો હતો. આ બેઠક આગામી ચૂંટણીના રણનીતિક આયોજન અને કાર્યકર્તાઓમાં જોમ પૂરવા માટે મહત્વની સાબિત થઈ છે.
કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા પર પ્રહાર
સંવાદ દરમિયાન સી.આર. પાટીલે “નારી શક્તિ વંદન અધિનિયમ” (મહિલા આરક્ષણ બિલ) નો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનને આડેહાથે લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આ ઐતિહાસિક બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ તેની વિરુદ્ધ મતદાન કરીને પોતાની મહિલા વિરોધી માનસિકતા જગજાહેર કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપ હંમેશા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, જ્યારે વિપક્ષ માત્ર અવરોધ ઊભો કરવાનું કામ કરે છે.”

ઐતિહાસિક વિજયનો વિશ્વાસ
આગામી ચૂંટણીઓ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાનો ડંકો વાગશે અને પક્ષ ફરી એકવાર ઐતિહાસિક વિજય મેળવશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમણે કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં સુરત મહાનગર પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, છોટુભાઈ પાટીલ, કિશોર બિન્દલ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓમાં આ સંવાદ બાદ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
