અમદાવાદ: દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી ચલણી નોટો (FICN) ના મોટા કારોબારનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર પાસે વોચ ગોઠવી હતી. સુરતથી અમદાવાદ આવી રહેલી એક સફેદ ફોર્ચ્યુનર કાર (GJ-05-RS-5252) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ₹500 ના દરની અસલી જેવી જ દેખાતી કરોડોની નકલી નોટો મળી આવી હતી. પોલીસે કારમાં સવાર શખ્સોની ધરપકડ કરી આખા રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
સુરતમાં ચાલતું હતું આધુનિક પ્રિન્ટિંગ પ્રેસ
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ રેકેટનું મુખ્ય મથક સુરતમાં હતું. મુખ્ય સૂત્રધાર મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મરે અન્ય સાથીદારો સાથે મળીને સુરતના રહેણાંક વિસ્તારમાં નકલી નોટ છાપવાનું કારખાનું શરૂ કર્યું હતું. આ ટોળકીએ અસલી નોટ જેવી જ ગુણવત્તા લાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. આરોપીઓએ અલીબાબા (Alibaba) જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચીનથી ખાસ પ્રકારનો સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યો હતો, જેના પર ‘RBI’ અને ‘ભારત’ લખેલું હતું. નોટોની ડિઝાઈન અને લેઆઉટ એકદમ અસલી લાગે તે માટે આરોપીઓએ ChatGPT જેવા AI પ્લેટફોર્મ અને ફોટો-એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી ફીચર્સ રિફાઈન કર્યા હતા.
મુદ્દામાલ અને ધરપકડની વિગતો
ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સુરત અને કતારગામ વિસ્તારના શખ્સોનો સમાવેશ થાય છે.
- કુલ રકમ: અંદાજે ₹2.38 કરોડની નકલી નોટો.
- સાધનો: લેપટોપ, હાઈ-ક્વોલિટી પ્રિન્ટર્સ, પેપર કટિંગ મશીન અને કરન્સી કાઉન્ટિંગ મશીન.
- વાહન: ₹25 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર જપ્ત.
રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું ઓપરેશન
આટલી મોટી માત્રામાં ઉચ્ચ ગુણવત્તાવાળી નકલી નોટો બજારમાં ઘૂસી જાય તે પહેલા જ પોલીસે તેને પકડી પાડીને રાષ્ટ્રીય નાણાકીય સુરક્ષાને થતું મોટું નુકસાન અટકાવ્યું છે. આ ટોળકી છેલ્લા ચાર મહિનાથી સક્રિય હતી અને આંતરરાષ્ટ્રીય માધ્યમો દ્વારા સાધનો મંગાવી રહી હતી. હાલમાં DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કનેક્શન છે કે કેમ તે દિશામાં ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે.
