નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ પર ટ્વિટ કરીને ઐતિહાસિક વિગતો રજૂ કરી છે અને આ સંધિને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલોમાંની એક ગણાવી છે. તેમણે આ સંધિને રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને વધુ મહત્વ આપવાનો નિર્ણય ગણાવ્યો છે.
નડ્ડાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, જ્યારે પંડિત નહેરુએ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા, ત્યારે તેમણે એકપક્ષીય રીતે સિંધુ બેસિનના પાણીનો ૮૦ ટકા ભાગ પાકિસ્તાનને સોંપી દીધો, જ્યારે ભારતને ફક્ત ૨૦ ટકા હિસ્સો મળ્યો. આ નિર્ણયથી ભારતની જળ સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સાથે કાયમી રીતે ચેડા થયા.
The Indus Water Treaty, 1960, was one of the biggest blunders of former PM Jawaharlal Nehru that kept national interest at the altar of personal ambitions.
The nation must know that when former Pandit Nehru signed the Indus Waters Treaty with Pakistan, he unilaterally handed…— Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2025
સૌથી ગંભીર બાબત એ હતી કે આ નિર્ણય ભારતીય સંસદની સલાહ લીધા વિના લેવામાં આવ્યો હતો. આ સંધિ પર સપ્ટેમ્બર ૧૯૬૦માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, પરંતુ તેને સંસદ સમક્ષ માત્ર બે મહિના પછી, નવેમ્બરમાં, ફક્ત બે કલાકની સાંકેતિક ચર્ચા માટે રજૂ કરવામાં આવી હતી. આ એક એવી ભૂલ હતી કે પંડિત નેહરુના પોતાના પક્ષના સાંસદોએ પણ તેનો ઉગ્ર વિરોધ કર્યો.
કોંગ્રેસના જ સાંસદ અશોક મહેતાએ આ સંધિને દેશ માટે ‘બીજા ભાગલા’ સમાન ગણાવી હતી, જે નહેરુની સંપૂર્ણ શરણાગતિ પર અનુભવાયેલા શોક અને આઘાતને દર્શાવે છે. અન્ય એક કોંગ્રેસ સાંસદ એ.સી. ગુહાએ પાકિસ્તાનને ૮૩ કરોડ રૂપિયા સ્ટર્લિંગ આપવાની ટીકા કરી હતી અને તેને “મૂર્ખાઈની પરાકાષ્ઠા” ગણાવી હતી. ગુહાએ સંસદને બાયપાસ કરવાના વલણ સામે પણ ચેતવણી આપી હતી.
તે સમયે એક યુવા સાંસદ, અટલ બિહારી વાજપેયી, નેહરુની દલીલોથી અસહમત હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે સાચી મિત્રતા અન્યાય પર બાંધી શકાતી નથી અને ભારતના રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખવું જોઈએ.
નડ્ડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ના દૃષ્ટિકોણથી આ ઐતિહાસિક ભૂલ સુધારવામાં આવી છે, જેમણે સિંધુ જળ સંધિને સ્થગિત કરી છે. આ નિર્ણય દર્શાવે છે કે આધુનિક નેતૃત્વ રાષ્ટ્રના હિતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે.
