આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ પ્રવાસ દરમિયાન બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આણંદના અક્ષરફાર્મ ખાતે આયોજિત આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સંસ્થાના સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
ભગવત ચરણ સ્વામીએ આપ્યા આશીર્વાદ
બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાવભર્યું આવકાર આપ્યો હતો. સ્વામીજીએ નાયબ મુખ્યમંત્રીને આશીર્વચન પાઠવતા રાજ્યની પ્રગતિ અને પ્રજાની સુખાકારી માટે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અંગે પણ ટૂંકી ચર્ચા કરવામાં આવી હતી.
રાજકીય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ સૌજન્ય મુલાકાત સમયે રાજ્યના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ મિતેશ પટેલ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલ પટેલ અને ચિરાગ પટેલ, અગ્રણી સંજય પટેલ અને નીરવ અમીન હાજર રહ્યા હતા. ભગવત ચરણ સ્વામીએ ઉપસ્થિત તમામ સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓનું પણ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવતા માનવસેવાના કાર્યોની પ્રશંસા કરી હતી.
