ગાંધીનગર: વ્યાપારિક અને અંગત લાભ ખાતર સરકારી નામો, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના તમામ વિભાગો, સરકારી કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, ૧૯૫૦’ નું કડકપણે અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આકરા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તમામ રાજ્યોને પાઠવવામાં આવેલા પરિપત્રના અનુસંધાને ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પરિપત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી કંપનીઓ, સંસ્થાઓ અને ટ્રસ્ટો એવા ભ્રામક નામો રાખી રહ્યા છે જે સીધા સરકારી વિભાગો જેવા પ્રતીત થાય છે. આ ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, સાઈન બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે. આનાથી સામાન્ય નાગરિકો છેતરાઈને ખાનગી કામોને સરકારી સમજી નાણાં અને અગત્યના દસ્તાવેજો ગુમાવે છે.
નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી કોઈપણ ખાનગી સંસ્થા, કંપની કે ટ્રસ્ટ કેન્દ્ર સરકારની પૂર્વ લેખિત અનુમતિ વિના પોતાની સંસ્થાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. જો કોઈ ખાનગી સંસ્થાએ નિયમો મુજબ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય, તો તેણે પોતાના નામની સાથે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડશે કે આ એક “ખાનગી સાહસ” (Private Enterprise) છે અને તેને સરકાર સાથે કે સરકારી ઉદ્દેશો સાથે કોઈ લેવાદેવા નથી.
આ અધિનિયમ અંતર્ગત સોસાયટીઓ, ફર્મ્સ અને સહકારી મંડળીઓનું રજીસ્ટ્રેશન કરતી તમામ કચેરીઓ જેમ કે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ અને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે અરજીના સ્ક્રીનિંગ અને રજીસ્ટ્રેશન તબક્કે જ આવા ભ્રામક નામો વાળી ફાઈલોને ના મંજૂર કરી દેવી. જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય, તો આ બાબત કેન્દ્ર સરકારના ધ્યાને મૂકવાની રહેશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય આખરી ગણાશે. આ બાબત રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી હોવાથી કાયદાનો અનાદર કરનાર સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે.
