અમદાવાદ: ગુજરાતમાં કોડીન (Codeine) ઘટક ધરાવતી દવાઓના અનધિકૃત સંગ્રહ, ગેરકાયદેસર વેચાણ અને નશા તરીકે થતા દુરુપયોગ સામે રાજ્યના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સરહદે આવેલી ‘બાલાજી ફાર્મા’માંથી રૂ. ૮૩ લાખથી વધુની કિંમતનો ૩૭,૭૬૨ બોટલ કોડીન સિરપનો જથ્થો સીલ (Prohibited) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ જણાતાં ૧ ફાર્મા એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને ૭ પેઢીઓને કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારવામાં આવી છે.
કઈ ફાર્મા પેઢીઓ સામે થઈ કડક કાર્યવાહી?
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર અને મહેસાણા જિલ્લામાં હોલસેલ તથા રિટેલ વિક્રેતાઓના દસ્તાવેજો અને રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સામે આવેલી મુખ્ય વિગતો નીચે મુજબ છે:
| ફાર્મા પેઢીનું નામ અને સ્થળ | હાથ ધરાયેલી આકરી કાર્યવાહી | મુખ્ય ક્ષતિઓ અને જપ્ત માલ |
| બાલાજી ફાર્મા (અમદાવાદ ગ્રામ્ય) | ₹૮૩,૦૭,૬૪૦ નો માલ પ્રતિબંધિત, નોટિસ | Rexton-T Syrup ની ૩૭,૭૬૨ બોટલો સીલ કરાઈ. મુખ્યત્વે કોડીન આધારિત દવાઓનો જ વેપાર ચાલતો હતો. |
| હેલ્થ પોઇન્ટ ફાર્મા (કલોલ, ગાંધીનગર) | દવા વેચાણનો પરવાનો (License) રદ | શો-કોઝ નોટિસનો સંતોષકારક ખુલાસો ન મળતાં કાયમી ધોરણે લાયસન્સ રદ કરાયું. |
| જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ (અમદાવાદ-૧) | ₹૯,૦૦૬ નો માલ સીલ, નોટિસ | R Tuss TD Syrup ની પ૭ બોટલ જપ્ત. મુખ્યત્વે કોડીન સિરપના શંકાસ્પદ ખરીદ-વેચાણના પુરાવા મળ્યા. |
| ફાર્માલિન લાઈફસાયન્સિસ (ચાંગોદર) | કારણદર્શક નોટિસ પાઠવાઈ | ખરીદ-વેચાણના બીલો અને રેકોર્ડમાં ગંભીર વિસંગતતાઓ જણાઈ. |
| રેઇન રેમેડીઝ (સાંતેજ) | કારણદર્શક નોટિસ પાઠવાઈ | કોડીન ઘટક ધરાવતી દવાઓના બીલો અને સ્ટોક રજિસ્ટર અંગે ખુલાસો માંગવામાં આવ્યો. |
| કેપિટલ ફાર્મા (વિસનગર, મહેસાણા) | કારણદર્શક નોટિસ પાઠવાઈ | તપાસમાં પેઢી માત્ર કોડીન સિરપના વેપાર સાથે સંકળાયેલી હોવાનું ખુલ્યું. |
| HRDM ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ) | કારણદર્શક નોટિસ પાઠવાઈ | નિયમભંગ અને દસ્તાવેજી ક્ષતિઓ અંગે સ્પષ્ટતા મંગાઈ. |
| કૃષ્ણા ફાર્મા (કઠવાડા, અમદાવાદ) | નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ | પ્રાથમિક તપાસમાં રેકોર્ડમાં ગેરરીતિઓ સામે આવી. |
“નશાનો વેપાર કરનારા સામે ઝીરો ટોલરન્સ નીતિ”: આરોગ્ય મંત્રી
આ રાજ્યવ્યાપી કડક ઝુંબેશ અંગે વિગતો આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે: “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર યુવાધનને નશાની ગરતામાં ધકેલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ ધરાવે છે. તબીબી ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર કોડીનયુક્ત સિરપનું વેચાણ કરનાર કે કાળાબજારી કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. સમગ્ર રાજ્યમાં FDCA દ્વારા આ પ્રકારની આકસ્મિક તપાસ સતત ચાલુ રહેશે.”
