કચ્છ: ભૌગોલિક રીતે અર્ધશુષ્ક અને પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લા માટે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. આ જરૂરિયાતને સમજીને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના વિઝન હેઠળ મહેસૂલી તંત્રએ એક અભૂતપૂર્વ ઝુંબેશ હાથ ધરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ વાર, કચ્છના ૧૦ તાલુકાઓના ૨૮૧ ગામોમાં આવેલા ૯૧૦ તળાવોને ‘નીમ’ (સત્તાવાર મહેસૂલી રેકર્ડ પર નોંધણી) કરવાની પ્રક્રિયા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે.
૫૬૦૦ એકરથી વધુ જમીનનું સંરક્ષણ
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અંદાજે ૫૬૯૧ એકર જમીન તળાવ તરીકે નીમ કરવામાં આવી છે. આ એવા જળ સ્ત્રોતો હતા જે સ્થાનિક સ્તરે અસ્તિત્વમાં તો હતા, પરંતુ સત્તાવાર રેકર્ડ પર ન હોવાને કારણે ત્યાં સરકારી યોજનાઓનો લાભ મળવો કે બ્યુટીફિકેશન કરવું મુશ્કેલ હતું. DILR (લેન્ડ રેકર્ડ ઓફિસ) દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે માપણી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ક્ષેત્રફળ બાબતે કોઈ વિવાદ ન રહે અને દબાણો અટકાવી શકાય. એકલા ભુજ શહેરમાં જ ૨૧ જેટલા તળાવોને નીમ કરી સંબંધિત ઓથોરિટીને સોંપવામાં આવ્યા છે.
તાલુકાવાર નીમ કરાયેલા તળાવોની વિગત:
કચ્છના તમામ ૧૦ તાલુકાઓમાં આ કામગીરી પ્રસરેલી છે. જેમાં ભુજ- ૩૧૩, નખત્રાણા – ૧૬૩, અંજાર – ૧૩૨, અબડાસા -૮૭, ભચાઉ – ૭૮, લખપત – ૪૫, માંડવી – ૩૮, મુન્દ્રા – ૨૫, રાપર – ૧૮, ગાંધીધામ -૧૧ તળાવોમાં કામગીરી પ્રસરેલી છે.
આ નિર્ણયથી શું બદલાશે?
તળાવોને સત્તાવાર દરજ્જો મળવાથી અનેક ફાયદાઓ થશે:
- યોજનાકીય લાભ: હવે આ તળાવોમાં ‘સુજલામ સુફલામ’, ‘અમૃત સરોવર’ જેવી યોજનાઓ હેઠળ કામો થઈ શકશે.
- ભૂગર્ભ જળ: જળસંચયથી આસપાસના ટ્યુબવેલ અને કુવાઓના જળસ્તર ઊંચા આવશે.
- પર્યાવરણ રક્ષણ: વન વિભાગ દ્વારા તળાવોની આસપાસ વૃક્ષારોપણ કરી ‘માઈક્રો-ક્લાઈમેટ’માં સુધારો કરાશે.
- ખારાશમાં ઘટાડો: જળસંગ્રહ વધવાથી જમીનની ખારાશ ઘટશે, જે કૃષિ અને પીવાના પાણીની ગુણવત્તા સુધારશે.
ભવિષ્યની પેઢી માટે ભેટ
આ અભિયાન હેઠળ જે તળાવો ગૌચર જમીન પર હતા તેની માહિતી જિલ્લા પંચાયતને સોંપાઈ છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેનું સંવર્ધન કરી શકે. આ ઝુંબેશ માત્ર જમીન માપણી નથી, પરંતુ પશુ-પંખીઓ માટે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવા અને કચ્છની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની એક દીર્ઘકાલીન વ્યુહરચના છે.
