નડિયાદ: ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત રાજ્યભરમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા અનાજ (મિલેટ્સ) ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેડૂતોને મિલેટની ખેતી માટે પ્રોત્સાહિત કરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી નડિયાદ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળ અને કાર્યક્રમની રૂપરેખા
નડિયાદના ઈપ્કોવાળા હોલ ખાતે આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ આ મહોત્સવ યોજાશે. આ પ્રદર્શનમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા મિનેટની ઉપયોગિતા, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, બાગાયતી ખેતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેના સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રદર્શન ખુલ્લું રહેશે, જેમાં મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ અને ખેતપેદાશો વિશેની માહિતી અને લાભ મળી શકશે.
કમિશનરની અધ્યક્ષતામાં આયોજન બેઠક
મિલેટ મહોત્સવના સુચારુ અને ભવ્ય આયોજન માટે નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં મનપા કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરે સફાઈ, સુરક્ષા, પાર્કિંગ, ફાયર સેફ્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણી અને રૂદ્રેશ હુદડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓએ હાજર રહી મહોત્સવની સફળતા માટે ચર્ચા-વિચારણા કરી હતી.
