વડોદરા: પશ્ચિમી એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી જીવન જરૂરિયાતની વસ્તુઓની સંગ્રહખોરી કરતા તત્વો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. ગેસના પુરવઠામાં અછત ઉભી થવાની ભ્રામક આશંકાઓ વચ્ચે કાળાબજાર કરતા શખ્સોને પકડવા મળેલી સૂચના મુજબ મકરપુરા પોલીસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
બાતમીને આધારે પોલીસનો સપાટો
મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને અંગત બાતમી મળી હતી કે માણેજા ક્રોસિંગ પાસે આવેલી ‘અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા’ નામની દુકાનમાં ભવાનીશંકર ઉર્ફે ભોલો અગ્રવાલ લાયસન્સ વગર વિવિધ કંપનીના LPG સિલિન્ડર રાખી કાળાબજાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા દુકાનમાંથી મોટી સંખ્યામાં ગેસના બોટલો મળી આવ્યા હતા.
રૂપિયા ૬૬,૯૨૦નો મુદ્દામાલ જપ્ત
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ભવાનીશંકર અગ્રવાલ (ઉં.વ. ૩૧) પાસે આ સિલિન્ડર રાખવા બાબતે કોઈ કાયદેસરના આધાર પુરાવા કે બિલ મળી આવ્યા નહોતા. પોલીસે ઘટના સ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
- ભરેલા સિલિન્ડર: ૧૦ નંગ
- ખાલી સિલિન્ડર: ૧૮ નંગ
- કુલ કિંમત: ₹ ૬૬,૯૨૦
કાયદેસરની કાર્યવાહી
મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩’ ની કલમ ૧૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહીલ અને તેમની ટીમ દ્વારા સંગ્રહખોરોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.
