ગાંધીનગર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને જનહિતકારી ભેટની જાહેરાત કરી છે. રાજ્યના નગરો અને શહેરોમાં નાગરિકોને પાયાની સુવિધાઓ વધુ ઝડપથી અને સમયસર મળી રહે તે હેતુથી, મુખ્યમંત્રીએ ૧૧ પ્રકારની વિવિધ સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
આર્થિક ભારણ ઘટતા પ્રોજેક્ટ્સ ઝડપી બનશે
અગાઉના નિયમો મુજબ, નગરપાલિકાઓએ કોઈપણ વિકાસ કામ માટે સરકારી જમીન મેળવવા માટે બજાર કિંમત અથવા જંત્રી દરના ૨૫% થી ૫૦% જેટલી તોતિંગ રકમ સરકારમાં ભરવી પડતી હતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર મર્યાદિત બજેટ ધરાવતી નગરપાલિકાઓના પ્રોજેક્ટ્સ અટકી પડતા હતા. મુખ્યમંત્રીના આ નિર્ણયથી હવે ૧૫૨ નગરપાલિકાઓને આ રકમ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે, જેનાથી તેમના પરનું આર્થિક ભારણ ઘટશે અને વિકાસના કામોને વેગ મળશે.
કઈ ૧૧ સુવિધાઓ માટે મળશે મફત જમીન?
મુખ્યમંત્રીશ્રીએ જે પાયાની સુવિધાઓ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવી છે તેમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થાય છે:
૧. નગર સેવા સદન (પાલિકા ભવન)
૨. ફાયર સ્ટેશન
૩. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
૪. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
૫. ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ પંપીંગ સ્ટેશન
૬. વોટર સપ્લાય પ્રોજેક્ટ
૭. સોલિડ અને લીક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ
૮. સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરી
૯. આંગણવાડી
૧૦. ટાઉન હોલ અને કોમ્યુનિટી હોલ
૧૧. કન્વેન્શન સેન્ટર
પારદર્શક વહીવટ અને સુખાકારીનો અભિગમ
આ નિર્ણયથી માત્ર જમીન મફત મળશે એટલું જ નહીં, પરંતુ જમીન ફાળવણીની સરકારી પ્રક્રિયા પણ અગાઉ કરતા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવશે. મુખ્યમંત્રીનો આ ‘સિટીઝન સેન્ટ્રીક’ અભિગમ રાજ્યના શહેરી વિસ્તારોમાં પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓને ઘર-ઘર સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવશે. નગરોના વિકાસને વેગ મળવાથી નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો જોવા મળશે.
