નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારો પર સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. આ ખોટા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી પણ યુઝર ફી (ટોલ) વસૂલવામાં આવશે. NHAIએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને આવા કોઈ પણ નિયમનો અમલ કરવામાં આવ્યો નથી.
NHAIએ જણાવ્યું છે કે, દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર આવેલા ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર વાહનો પાસેથી કોઈપણ પ્રકારની યુઝર ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ ફી વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
નિયમો શું કહે છે?
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (દર નક્કી કરવા અને વસૂલાત) નિયમો, ૨૦૦૮ મુજબ, ટોલ પ્લાઝા પર માત્ર ચાર કે તેથી વધુ પૈડાં ધરાવતા વાહનો પાસેથી જ યુઝર ફી વસૂલવામાં આવે છે. આ વાહનોની શ્રેણીમાં કાર, જીપ, વાન, લાઇટ મોટર વ્હીકલ, લાઇટ કોમર્શિયલ વ્હીકલ, મીની બસ, બસ, ટ્રક, હેવી કન્સ્ટ્રક્શન મશીનરી (HCM), અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ (EME) અથવા મલ્ટી એક્સલ વ્હીકલ (MAV) જેવા વાહનોનો સમાવેશ થાય છે.
આ સ્પષ્ટતા જનતામાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે. NHAIએ લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતા ખોટા અને અપ્રમાણિત સમાચારો પર ધ્યાન ન આપે અને માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે.
