વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીના આ પર્વમાં અનેક રંગો જોવા મળતા હોય છે, પરંતુ વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 3 માં એક અત્યંત અનોખી ઘટના સામે આવી હતી. અહીં એક યુવતી પોતાના આરાધ્ય દેવ ‘લાડુ ગોપાલ’ને હાથમાં લઈને મતદાન મથક પર પહોંચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કેમ બાળગોપાલને સાથે લાવ્યા?
મતદાન કરવા પહોંચેલા શિવાની પ્રજાપતિએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “રવિવારના દિવસે હું મારા બાળગોપાલની વિશેષ સેવા-પૂજા કરતી હોઉં છું. મારી એવી શ્રદ્ધા છે કે જ્યારે પણ હું રવિવારે બહાર જઉં ત્યારે તેમને મારી સાથે જ રાખું છું. આજે લોકશાહીનું પર્વ છે અને જે પ્રભુ આખા જગતનો કાર્યભાર સંભાળે છે, તેમને સાક્ષી રાખીને જ હું મતદાન કરવા આવી છું.”
નેતાઓ માટે સદબુદ્ધિની પ્રાર્થના
માત્ર મતદાન જ નહીં, પરંતુ શિવાનીએ આ પ્રસંગે આવનારા પ્રતિનિધિઓ માટે એક વિશેષ સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “હું જગત પિતાને પ્રાર્થના કરું છું કે જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે, ભગવાન તેમને સદબુદ્ધિ આપે જેથી તેઓ પ્રજાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી શકે. ચૂંટાયેલા નેતાઓ યોગ્ય ન્યાય કરે અને શહેરના હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તેવી જ મારી આશા છે.”
મતદારોમાં કુતૂહલ
મતદાન મથક પર શિવાની પ્રજાપતિને બાળગોપાલ સાથે જોઈને અન્ય મતદારો અને ત્યાં હાજર રહેલા ચૂંટણી સ્ટાફમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર આ અનોખા મતદાનના વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે લોકો પોતાની પર્સનલ આસ્થા અને નાગરિક તરીકેની ફરજને કેવી રીતે જોડી રહ્યા છે.
