સોજીત્રા: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી (ક્રાઈમ અને રેલ્વેઝ), ગાંધીનગરના હુકમ અન્વયે રાજ્યમાં ગુમ થયેલા તેમજ અપહરણ કરાયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવા માટે ‘ઓપરેશન મિલાપ’ નામની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશને એક મોટી સફળતા મેળવી છે. પોલીસે અપહરણના ગુનાનો ભેદ ઉકેલીને ભોગ બનનાર સગીરાને હેમખેમ છોડાવી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.
મોબાઇલ ટાવર લોકેશન અને કોલ ડિટેઇલ્સથી મળ્યો સુરાગ
સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૧૩૭(૨) મુજબના અપહરણના ગુનાની તપાસ દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરી અને તેમની ટીમ સતત કાર્યરત હતી. તપાસ દરમિયાન પોલીસે શકમંદ ઇસમોની કોલ ડિટેઇલ્સ (CDR) મંગાવીને ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. આ ટેકનિકલ તપાસમાં એક શંકાસ્પદ નંબર હાથ લાગ્યો હતો, જેનું ટાવર લોકેશન અમદાવાદના બુજરંગ-બાકરોલ જી.આઇ.ડી.સી (GIDC) વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું.
કંપનીમાં ખાનગી રાહે દરોડો પાડી આરોપીને દબોચાયો
ટેકનિકલ લોકેશનના આધારે સોજીત્રા પોલીસની ટીમ અમદાવાદ ખાતે આવેલી કંપનીઓમાં તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરી તથા એ.એસ.આઇ. પ્રવિણસિંહ કનુભાને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, સોજીત્રાના વિરોલ ગામનો રહેવાસી કૌશિકભાઇ બુધાભાઇ પરમાર સગીરાને લઈને બાકરોલ GIDCની ‘અનુપમ પોલીમર’ નામની કંપનીમાં છુપાયેલો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવીને સદર કંપનીમાં ખાનગી ડ્રેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે કંપનીમાંથી અપહરણ થયેલી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી અને આરોપી કૌશિકભાઇ બુધાભાઇ પરમારને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો.
આરોપીએ ગુનો કબૂલ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
પકડાયેલા આરોપી કૌશિક પરમારને સોજીત્રા પોલીસ સ્ટેશન લાવીને કડક પૂછપરછ કરવામાં આવતા તેણે સગીરાનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલભેગો કર્યો છે. બીજી તરફ ભોગ બનનાર સગીરાનું યોગ્ય કાઉન્સિલિંગ કરીને તેને તેના પરિવારને સોંપવામાં આવતા પરિવારજનોએ સોજીત્રા પોલીસની આ ત્વરિત અને સચોટ કામગીરીનો આભાર માન્યો હતો.
આ સફળ ઓપરેશનમાં અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ, આણંદ પોલીસ અધિક્ષક જી.જી. જસાણી તેમજ પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સોજીત્રા પીએસઆઈ સી.સી. ચૌધરી, એએસઆઈ પ્રવિણસિંહ, હેડ કોન્સ્ટેબલ મેઘરાજસિંહ અને લિસ્ટિંગ રાઉન્ડના જવાનો જોડાયા હતા.
