પંચમહાલ: પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુરક્ષા સામે ચિંતા ઊભી કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ ડુંગર પર મંદિર પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય માટે વપરાતી માલવાહક રોપ-વેની ટ્રોલી અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ટ્રોલી તૂટી પડતાં થયેલા ભયાનક ધડાકાથી આખો પાવાગઢ ડુંગર હચમચી ઊઠ્યો હતો. હાલ આસો નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને મા મહાકાળીના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચી રહ્યા છે, ત્યારે બનેલી આ ઘટનાએ તંત્રની સલામતી વ્યવસ્થા અને રોપ-વેની જાળવણી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
મળતી વિગતો અનુસાર, પાવાગઢ મંદિર પરિસરમાં ચાલી રહેલા બાંધકામ અને સુશોભીકરણના કામ અર્થે ભારે માલસામાનની હેરફેર કરવા માટે આ વિશેષ માલવાહક રોપ-વે તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ‘ઉષા બ્રેકો’ નામની કંપની દ્વારા આ રોપ-વેનું સંચાલન હસ્તગત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, નવરાત્રિના ધમધમાટ વચ્ચે જ ટ્રોલી તૂટી પડતાં યાત્રાળુઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી નિયમિત મેન્ટેનન્સ અને જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવી હતી, તે અંગે સત્તાવાર તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ઠીક એક વર્ષ પહેલાં પણ ગણેશ વિસર્જનના પાવન દિવસે આ જ માલવાહક રોપ-વેની ટ્રોલી તૂટી પડવાની ગંભીર હોનારત સર્જાઈ હતી, જેમાં ૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અગાઉ થયેલી તે કરુણ દુર્ઘટનાની યાદ તાજી કરતી આ ફરી બનેલી ઘટનાએ તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ડુંગર પર માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, ત્યારે આ પ્રકારે વારંવાર બનતી ઘટનાઓ માત્ર ટેકનિકલ ખામી નથી પરંતુ જાહેર સુરક્ષા અને માનવજિંદગી સાથે જોડાયેલો અત્યંત ગંભીર પ્રશ્ન બની ગયો છે.
સ્થાનિક યાત્રાળુઓ અને અગ્રણીઓ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ નિષ્પક્ષ તપાસ હાથ ધરવા અને સુરક્ષા ધોરણોનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવાની પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે. રોપ-વેનું નિયમિત ચેકિંગ થાય છે કે નહીં અને તેની વજન વહન કરવાની ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે કે નહીં તેની જવાબદારી નક્કી થવી જરૂરી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા સર્વોપરી હોવાથી અગાઉના અકસ્માત અને આ નવી ઘટના બંને માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી હોનારત ન સર્જાય તે માટે નક્કર પગલાં લેવાય તેવી લોકલાગણી ઉઠી છે.
