નર્મદા: ગુજરાતના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ વધતી જળસપાટીને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમની જળ સપાટી ૧૩૬.૭૪ મીટર પર પહોંચી છે.
ડેમમાં ૧.૬૭ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમના ૧૫ ગેટ ૧.૮૫ મીટર ખોલીને ૨.૪૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. આ અદભુત દ્રશ્યનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે.
सरदार सरोवर नर्मदा डेम का अद्भुत ड्रोन वीडियो।
नर्मदा डेम का जलस्तर 136.74 मीटर पर पहुंचा। #Gujarat #NarmadaDam #SardarSarovar pic.twitter.com/OQAtF4Wpds— Kamit Solanki (@KamitSolanki) August 31, 2025
હાલમાં ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર ૧.૯૦ મીટર જ દૂર છે અને તે ૯૪ ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ૨૭ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. લોકોને સાવચેતી રાખવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
