વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગત ૧૮ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગોત્રી તળાવ અને પાણીની ટાંકી પાસેના જાહેર રોડ પરથી પસાર થઈ રહેલા અમીરતાબેન રામનયન પ્રજાપતિ નામના મહિલાને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી
અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ લઈને પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પર સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગોત્રી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગોત્રી પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ટ્રેસ કરી લીધો હતો.
આરોપીની ધરપકડ
પોલીસે આ મામલે આરોપી અજીતસિંહ માધવસિંહ સિંધા (રહે. માં શક્તિ વુડાના મકાન, સયાજીપુરા પાણીની ટાંકી સામે, ખોડીયારનગર, વડોદરા)ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાનું વાહન અત્યંત પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો, જેના કારણે આ જાનલેવા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
