ગાંધીનગર: ગુજરાત માટે રમતગમતના ક્ષેત્રે એક ઐતિહાસિક સોનેરી ક્ષણની શરૂઆત થઈ ગઈ છે. ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના સફળ સમાપન બાદ આ રમતગમતનો સત્તાવાર ધ્વજ (Commonwealth Games Flag) હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ગૌરવવંતો ફ્લેગ વિધિવત રીતે અર્પણ કર્યો હતો. આ ધ્વજના આગમનની સાથે જ વર્ષ 2030 માં ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ઔપચારિક તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે.
ગ્લાસગોથી ગાંધીનગર સુધીની ગૌરવયાત્રા
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન રાજ્ય તરીકે ગુજરાતના પ્રતિનિધિ મંડળના વડા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ ફ્લેગ વિધિવત સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠકમાં જ્યારે આ ફ્લેગ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કેબિનેટે હર્ષોલ્લાસ અને તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધો હતો.
આ ખાસ પ્રસંગે ગ્લાસગો CWG માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ગુજરાતના બે પરા ક્રિકેટર/એથ્લીટ્સ રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ તેમજ પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ અશ્વિની કુમાર અને એમ. થેન્નારસન તથા સચિવ રાહુલ ગુપ્તા જેવા ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા.
ગ્લાસગો CWG માં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન
આ વખતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય રમતવીરોએ અદભુત કૌશલ્ય દાખવી દેશનું નામ રોશન કર્યું છે:
- કુલ મેડલ: 39 (13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ)
- મેડલ ટેલીમાં ક્રમાંક: સમગ્ર કોમનવેલ્થ દેશોમાં ચોથું સ્થાન
- પેરા એથ્લીટ્સની સિદ્ધિ: 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 7 મેડલ. પેરા-એથ્લેટિક્સમાં ભારતે મેળવેલી આ સિદ્ધિથી 20 વર્ષની પોડિયમ ફિનિશની આતુરતાનો અંત આવ્યો છે.
ભાવિ યજમાન તરીકે ધ્વજ હસ્તાંતરણનું શું મહત્વ છે?
કોમનવેલ્થ રમતોત્સવના સમાપન સમયે વર્તમાન યજમાન દ્વારા આગામી યજમાન દેશ/રાજ્યને ધ્વજ આપવાની પરંપરા માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તેના પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે:
- યજમાનીના અધિકાર અને જવાબદારી: ધ્વજનું આગમન એ દર્શાવે છે કે હવે આ વૈશ્વિક રમતગમતના આયોજનની સત્તાવાર જવાબદારી આગામી યજમાનના શિરે છે.
- પરંપરાની અવિરતતા: તે રમતગમતની ગૌરવશાળી પરંપરાને એક દેશથી બીજા દેશ સુધી સતત વહેતી રાખે છે.
- એકતા અને ભાઈચારો: “Sport Unites Us All” ના સંદેશ સાથે આ ધ્વજ વિશ્વના દેશો વચ્ચે શાંતિ, મિત્રતા, સમાનતા અને સહકારની ભાવના મજબૂત કરે છે.
- તૈયારીઓનો પ્રારંભ: આગામી ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અને ખેલાડીઓની તાલીમ માટેની તૈયારીઓનો સત્તાવાર વિગ્યુલ વાગે છે.
CWG 2030 સુધી ધ્વજ ગુજરાતમાં જ રહેશે: ખેલાડીઓ માટે બનશે પ્રેરણાપુંજ
હવે આગામી CWG સુધી આ પવિત્ર ધ્વજ ગુજરાતમાં જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ ના વિઝનને આગળ ધપાવવામાં આ ફ્લેગ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આ ધ્વજ એક પ્રેરણાપુંજ તરીકે કાર્ય કરશે, જે તેમને 2030 ની ગેમ્સમાં પોતાના ઘરઆંગણે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની નવી ઊર્જા પૂરી પાડશે.
