ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા 15 જૂન, 2025ના રોજ યોજાઈ હતી, અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તે હવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના ગુણ ચકાસી શકે છે.
ગુણ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ http://gprb.gujarat.gov.in અથવા http://lrdgujarat2021.in ની મુલાકાત લેવાની રહેશે. આ જાહેરાત બાદ ઉમેદવારોમાં પરિણામ જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે.
જાહેરાત મુજબ, આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી 30 જૂન, 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ આન્સર કી અંગે કોઈ પણ ઉમેદવાર દ્વારા કરેલી વાંધા અરજીઓનો નિકાલ થઈ ગયો છે અને હવે ગુણ જાહેર કરવામાં આવ્યા છે.
પરીક્ષાના નિયમો મુજબ, જે ઉમેદવારોને પોતાના ગુણનું પુન:મૂલ્યાંકન (રી-ચેકિંગ) કરાવવું હોય, તેઓ નિયત સમયમર્યાદામાં અરજી કરી શકશે. રી-ચેકિંગ માટેની અરજી ફી ₹ 400/- છે, જે “CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD”ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે જમા કરાવવાની રહેશે. અરજી મોકલવા માટેનું સરનામું પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર-૧, સરીતા ઉદ્યાન નજીક, સેક્ટર-૯, ગાંધીનગર છે. અરજીની છેલ્લી તારીખ 29/08/2025 છે.
ઉમેદવારોને ધ્યાન દોરવામાં આવ્યું છે કે જો કોઈ ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિ આચરી હશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ સાથે, પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા CCTV ફૂટેજના આધારે પણ તપાસ કરવામાં આવશે.
