જૂનાગઢ: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને શ્રાવણ માસના અંતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં વરસાદી હાહાકાર
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય હસ્તકના કુલ ૧૩ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટર દ્વારા સ્થાનિક નાગરિકો તેમજ પ્રવાસીઓને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ચોમાસું 2025
રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી…#GujaratRain #Monsoon2025 #RainAlert #RainUpdate pic.twitter.com/f7bWUJTQOc— Gujarat Information (@InfoGujarat) August 20, 2025
મેંદરડામાં આભ ફાટ્યું, દાત્રાણામાં રેસ્ક્યુ
જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે, જ્યાં માત્ર ચાર કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પાણીના ભારે પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના દાત્રાણા ગામે ભારે વરસાદને પગલે પાણીમાં ફસાયેલા ૧૫ જેટલા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જૂનાગઢમાં હાહાકાર#GujaratRain #Gujarat #Junagadh #weatherforecast #Amreli pic.twitter.com/hDfOomOySr— LokVani (@LVaniNews) August 20, 2025
ડેમ ઓવરફ્લો અને અન્ય જિલ્લાઓમાં સ્થિતિ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી-૧ ડેમ પણ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો છે. આથી, ડેમના નીચાણવાળા ગામો જેવા કે રાજુલા, ધારેશ્વર, નવી-જૂની માંડરડી અને ઝાંપોદરના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. એકંદરે, ૨૩ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
