આણંદ: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના (વસ્તીગણતરી-૨૦૨૭) પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ‘સ્વ-ગણના’ (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ ધમધમી રહ્યું છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરીને સેલ્ફ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સાથે જ તેમણે મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ કાર્યમાં સક્રિયપણે જોડાવા માટે ખાસ આહવાન કર્યું છે.
૩૧ મે સુધી ઓનલાઈન વિગતો ભરવાની સુવર્ણ તક
મહાનગરપાલિકાના કમિશનરએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વસ્તીગણતરી એ દેશના ભવિષ્યની યોજનાઓના ઘડતર અને સર્વાંગી વિકાસ માટેનો પાયો છે. નાગરિકો આગામી તા. ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં ભારત સરકારના સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધી શકે છે. પોર્ટલ પર વિગતો ભરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે અને તે આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી સાચી માહિતી દેશના આર્થિક-સામાજિક આયોજન અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે બહુમૂલ્ય સાબિત થશે.
૧ જૂનથી શરૂ થશે ‘ઘરયાદી’ (હાઉસ લિસ્ટિંગ) ઓપરેશન
ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી તા. ૧ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર આણંદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરયાદી તૈયાર કરવાની પ્રક્રિયા (House Listing Operation) હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા નિમણૂક કરાયેલા વસ્તી ગણતરીદાર કર્મચારીઓ દરેક નાગરિકના ઘરે રૂબરૂ મુલાકાત લેશે. જે નાગરિકોએ ઓનલાઈન ફોર્મ ભર્યું હશે, તેમણે પોતાનો જનરેટ થયેલો ૧૧ અંકોનો વિશિષ્ટ કોડ (SE ID) ગણતરીદારને આપવાનો રહેશે.
દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપવા અનુરોધ
કમિશનરએ ઉમેર્યું કે, જ્યારે પણ વસ્તીગણતરીના કર્મચારીઓ આપના ઘરની મુલાકાત લે, ત્યારે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે તેમને સાચી અને પૂરતી માહિતી આપીને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ. જનગણના અંતર્ગત એકત્રિત કરવામાં આવતી તમામ વિગતો સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ થાય છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે આ ડિજિટલ અભિયાનને ૧૦૦ ટકા સફળ બનાવવા માટે સ્થાનીક જનતાના સક્રિય યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી છે.
