વડોદરા: સમગ્ર વડોદરા શહેર હાલ ગણેશ મહોત્સવના રંગમાં રંગાઈ ગયું છે. ચારેય બાજુ શ્રીજીની આગમન યાત્રાનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, ફતેગંજ વિસ્તારમાં જાણીતા ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ભવ્યતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.
આગમન યાત્રા દરમિયાન ભક્તો ડીજે વીસી કિંગના સંગીત પર મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વરસાદી માહોલ હોવા છતાં, ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નહોતો. સૌ કોઈ વરસાદની હેલીમાં પણ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ થયા હતા, જે તેમની શ્રીજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
આ ગ્રુપની પરંપરા મુજબ, આ વર્ષે પણ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે આગમન યાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં કેટલાક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા હતા. આદિવાસી નૃત્ય અને તિરંગા થીમ પર આકાશમાં રંગબેરંગી બલૂન ઉડાડીને યાત્રાને વધુ અનોખી બનાવવામાં આવી હતી. આ દ્રશ્યોએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને લોકોએ આ અદ્ભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે.
