આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા લોકપ્રશ્નોના નિકાલ અને જિલ્લાના વહીવટી કાર્યક્ષમતા વધારવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
લોકપ્રશ્નો અને વહીવટી પારદર્શિતા પર ભાર
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે. વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે કચેરીઓમાં મહત્તમ ‘ઈ-સરકાર’ (e-Sarkar) પોર્ટલનો ઉપયોગ કરવા અને તમામ વિભાગોએ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કર્મચારીઓના બાકી પેન્શન કેસોનો તાકીદે નિકાલ કરવા પણ જણાવ્યું હતું.
આંગણવાડી અને પોષણયુક્ત આહારની તપાસ
બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવતા કલેક્ટરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) અને અન્ય જવાબદાર અધિકારીઓને સમયાંતરે આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લેવા આદેશ કર્યો હતો. આંગણવાડીમાં ભૂલકાઓને આપવામાં આવતા પોષણયુક્ત આહારની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
સોશિયલ મીડિયા દ્વારા યોજનાઓનું પ્રસારણ
રાજ્ય સરકારની ‘કનેક્ટ ગુજરાત’ પહેલ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી, કલેક્ટરે સોશિયલ મીડિયા હેન્ડલ્સનો મહત્તમ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સરકારી યોજનાઓની માહિતી જનતા સુધી ડિજિટલ માધ્યમથી પહોંચાડવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
સંકલન બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકો પણ યોજાઈ હતી, જેમાં વિવિધ પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અને નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
