ડાકોર: જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે આગામી ૨૭ ફેબ્રુઆરી થી ૦૪ માર્ચ સુધી યોજાનાર સુપ્રસિદ્ધ ‘ફાગણી પૂનમ મહોત્સવ-૨૦૨૬’ ના સુચારુ આયોજન માટે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સ્પષ્ટ કર્યું હતું કે, “ભગવાન રણછોડરાયના દર્શને આવતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.”
મંગળા આરતી અને દર્શનનો સમય
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ઉત્સવના મુખ્ય દિવસે દર્શનના સમયની જાહેરાત કરવામાં આવી છે:
- તારીખ: 03 માર્ચ, મંગળવાર
- નિજ મંદિર ખુલશે: વહેલી સવારે 01:45 કલાકે
- મંગળા આરતી: વહેલી સવારે 02:00 કલાકે
- ફૂલડોળ દર્શન: સવારે 04:00 થી 06:00 કલાક દરમિયાન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા ચક્ર
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર મેળામાં ભક્તોની સુરક્ષા માટે 2000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ સાથે ‘નેત્રમ’ કમાન્ડ કંટ્રોલ સેન્ટર, સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. અને રાયપુરા પાટીયા, ટ્રાફિક સર્કલ સહિત 07 સ્થળોએ પોલીસ સહાયતા કેન્દ્રો શરૂ કરાશે. મહત્વનું છે કે સુરક્ષાના કારણોસર ગોમતી તળાવની ફરતે લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ
મુસાફરોની ભીડને ધ્યાને રાખી હંગામી બસ સ્ટેશન પરથી જ મંદિરનો પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. ભીડ નિયંત્રણ માટે વિવિધ માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમદાવાદ, ઠાસરા અને ઉમરેઠ તરફથી આવતા વાહનો માટે અલગ-અલગ મોટા ગ્રાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોળી ચકલા અને મંદિર પરિસર સહિત મહત્વના પોઈન્ટ્સ પર એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો 24 કલાક હાજર રહેશે. આ સાથે ભીડમાં ફસાયા વગર ભક્તો દર્શન કરી શકે તે માટે એલઈડી (LED) સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અને અન્ય લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્વચ્છતા, પાણી અને પરિવહન બાબતે કલેક્ટરને આયોજનની વિગતો આપી હતી.
