ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ અંતર્ગત મેઘરાજાની વિપુલ કૃપા જોવા મળી રહી છે. રાજ્યમાં આ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૩૧ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે મોસમના સરેરાશ કુલ વરસાદની સરખામણીએ ૮૮ ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૬૭.૮૬ ટકા અને કચ્છ ઝોનમાં ૫૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
૩૧ જિલ્લાઓના ૨૨૪ તાલુકાઓમાં સરેરાશ ૧૭.૨૦ મિલીમીટર વરસાદ વરસ્યો
છેલ્લા ૨૪ કલાક દરમિયાન પણ રાજ્યના ૩૧ જિલ્લાઓના ૨૨૪ તાલુકાઓમાં સરેરાશ ૧૭.૨૦ મિલીમીટર વરસાદ વરસ્યો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ ૩ ઇંચ જેટલો ખાબક્યો છે. તે સિવાય અમદાવાદ શહેરમાં ૨.૮૭ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં ૨.૫૨ ઇંચ અને નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ૨.૪૦ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. નર્મદા સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ મુખ્ય જળાશયોમાં પણ હાલ કુલ ક્ષમતાના ૭૦.૪૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં હાલ ૩૦ જેટલા ડેમ ૧૦૦ ટકા ભરાઈને પૂર્ણસપાટીએ પહોંચ્યા છે. આ ઉપરાંત ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી ઓછી ક્ષમતાએ ભરાયેલા છે. જળસ્તરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ૪૫ ડેમ હાઇ એલર્ટ, ૧૩ ડેમ એલર્ટ અને ૧૦ ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂર અને ભારે વરસાદની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા વ્યાપક રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ૧ જૂન, ૨૦૨૬ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૮૫,૪૫૬ નાગરિકોનું સુરક્ષિત સ્થળોએ અસ્થાઈ સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૯,૮૨૨ લોકોને રેસ્ક્યૂ કરીને ઉગારી લેવાયા છે. સૌથી વધુ સ્થળાંતર નવસારીમાંથી ૨૯,૧૯૮, વલસાડમાંથી ૨૨,૨૧૪ અને સુરત જિલ્લામાંથી ૧૭,૯૯૨ નાગરિકોનું કરવામાં આવ્યું છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRF ની ૧૦ ટીમો અને SDRF ની ૨૮ પ્લાટૂન તૈનાત રાખવામાં આવી છે.