સુરત: સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના નેક્સસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ઈ-રક્ષક હેકેથોન’ ના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. દેશના ૬ રાજ્યોની ૧૩ થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની ૩૧ ટીમોના ૧૫૦ થી વધુ યુવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓ દ્વારા સાયબર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને ડિજિટલ પડકારોના ઉકેલ માટે તૈયાર કરવામાં આવેલા પ્રોટોટાઇપ મોડેલ્સનું નાયબ મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સમારોહને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશભરમાંથી આવેલા યુવા ‘પ્રૉબ્લેમ સોલ્વર્સ’ ને આવકારતા જણાવ્યું હતું કે, ટેકનોલોજી જેટલી ઉપયોગી છે તેટલા જ નવા સાયબર પડકારો પણ ઊભા કરે છે. મોટી કંપનીઓ વારંવાર હાર્ડવેર મોડેલ બદલે છે, જેનાથી સરકારી તંત્ર પર આર્થિક બોજ વધે છે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ હાર્ડવેરના બદલે સોફ્ટવેર આધારિત સસ્ટેનેબલ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ લાવવા સરકાર યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે. આ તકે તેમણે સમગ્ર ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવાનું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોનો કિંમતી સમય અને ઈંધણ બચાવવાનું પોતાનું સ્વપ્ન વ્યક્ત કર્યું હતું.
યુવાનો માટે રાજ્ય સરકારના વિઝન અંગે વાત કરતા હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાધન સોશિયલ મીડિયા અને રૂટિન ચર્ચાઓમાંથી બહાર આવીને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સ્ટાર્ટઅપ્સ, MSME અને સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજનાઓ હેઠળ ઓફિસ રેન્ટ, ઓપરેટિંગ ખર્ચ, સીડ ફંડ, ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન્સ અને નાણાકીય સહાય પૂરી પાડીને રાજ્ય સરકાર યુવાનોના નવીન વિચારોને સાકાર કરવા માટે ‘રિસ્ક પાર્ટનર’ તરીકે ખભેથી ખભા મિલાવીને ઊભી છે. તેમણે ઉમેર્યું હતું કે, હેકેથોન દ્વારા સામે આવેલા શ્રેષ્ઠ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ આવનારા દિવસોમાં એફ.આઈ.આર. નોંધવાની અને સાયબર ક્રાઇમ ઉકેલવાની સરકારી પ્રક્રિયાઓમાં કરવામાં આવશે.
પોલીસ કમિશનર વાબાંગ જમીરે હેકેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રાઇમ અટકાવવા યુવાધનની સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાનો જણાવ્યો હતો. જ્યારે DCP (સાયબર ક્રાઇમ) વિશાખા જૈને સ્વાગત પ્રવચનમાં માહિતી આપી હતી કે, સામાન્ય નાગરિકો અને પોલીસ કામગીરીની વ્યવહારુ સમસ્યાઓના આધારે ૯ થી ૧૦ પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ્સ નક્કી કરાયા હતા, જેમાં દેશભરમાંથી ૪૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમારોહમાં રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંઘ, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ, એસ.પી. શફીન હસન, SVNIT ના ડિરેક્ટર પ્રો. અનુપમ શુક્લા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
