જામનગર: ગુજરાત સરકારે મહિલાઓ અને માસૂમ બાળકીઓ સામે થતા ગંભીર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની કડક નીતિ અપનાવી છે. આ નીતિ અને પોલીસ તંત્રની ચપળતાના પરિણામે જામનગર પોક્સો કોર્ટે એક અત્યંત સરાહનીય અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ અબુધ બાળકી પર શારીરિક અત્યાચાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના કેસમાં નામદાર પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા (મૃત્યુદંડ) ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
આ ધૃણાસ્પદ ઘટનાની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૫ માં જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં ૮ વર્ષની બાળકીને આશરે એક માસ સુધી અમાનુષી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. નરાધમ આરોપીએ માસૂમ બાળકીના શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપ્યા હતા અને લોખંડના દસ્તા તથા ધોકા વડે નિર્દયતાથી માર મારી દીવાલ સાથે ભટકાડી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ગુનો અનડિટેક્ટ હતો, પરંતુ જામનગર પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આરોપી નીતિન ડોસાજી માણેક (રહે. સિક્કા, જામનગર) ની સંડોવણી ખૂલતાં જ તેની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ ટીમે અત્યંત સઘન અને વૈજ્ઞાનિક ઢબે તપાસ ચલાવીને ટેકનિકલ, સાયન્ટિફિક અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા અને બનાવના માત્ર ૩૫ જ દિવસમાં કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. અદાલતમાં સરકારી વકીલ દ્વારા ૨૩ મહત્વપૂર્ણ સાહેદો અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ધારદાર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા, તબીબી રિપોર્ટ અને ગુનાની આત્યંતિક ક્રૂરતાને ધ્યાને રાખીને નામદાર પોક્સો કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ (Rarest of Rare) ગણાવ્યો હતો. કોર્ટે આરોપી નીતિન માણેકને ખૂનના ગુનામાં ફાંસીની સજા, પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને ₹૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.
આ ઐતિહાસિક અને ઝડપી ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારને ટૂંકા સમયગાળામાં ન્યાય અપાવવા બદલ જામનગર પોલીસ ટીમ, તપાસ અધિકારીઓ અને સરકારી વકીલોની ટીમની પ્રશંસનીય કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. માત્ર ૩૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને ગુનેગારને ફાંસીના માચડે પહોંચાડવાની આ કાનૂની સફળતાએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં માસૂમ બાળકીઓ કે મહિલાઓ સામે હાથ ઉપાડનાર ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
