મુંબઈ: નેશનલ ક્રશ તરીકે જાણીતી અભિનેત્રી રશ્મિકા મંધાના પોતાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘માયસા’ (Mysaa) ને લઈને ભારે ચર્ચામાં છે. રવિવારે મેકર્સ દ્વારા આ ફિલ્મનું દમદાર અને એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રશ્મિકા અત્યાર સુધીના સૌથી અલગ, રફ-એન્ડ-ટફ અને લડાયક અવતારમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી ગ્લેમરસ અને રોમેન્ટિક રોલમાં જોવા મળેલી રશ્મિકા આ ફિલ્મમાં એક ગોંડ જનજાતિની મહિલાના રોલમાં જોરદાર એક્શન સિક્વન્સ અને બાઇક રાઇડિંગ કરતી નજરે પડે છે.
“હું થાકી ગઈ છું, હું રોકાઈ ગઈ છું, હું હારી ગઈ છું…”
અંદાજે બે મિનિટ લાંબા આ ટીઝરમાં એક્શનની સાથે સાથે મુખ્ય પાત્રનું ભાવનાત્મક પાસું પણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆત રશ્મિકાના વોઇસઓવરથી થાય છે, જેમાં તે કહે છે, “હું થાકી ગઈ છું, હું રોકાઈ ગઈ છું, હું હારી ગઈ છું…” પરંતુ ત્યારબાદ તે પરિસ્થિતિઓ સામે લડવા માટે એક મક્કમ નિર્ધાર સાથે ઊભી થાય છે. ટીઝરમાં રશ્મિકા હાથમાં દાતરડું (Sickle) લઈને પોતાના દુશ્મનો પર તૂટી પડતી જોવા મળે છે. આ ઉપરાંત, હાથમાં શસ્ત્ર સાથે પાણીની અંદરનો તેનો એક દ્રશ્ય દિલધડક એક્શનનો અનુભવ કરાવે છે.
સોશિયલ મીડિયા પર આ ટીઝર શેર કરતાં રશ્મિકાએ પોતાના ફેન્સ માટે લખ્યું હતું કે, “તમે જે ‘માયસા’ ને મળવા જઈ રહ્યા છો, તે અગાઉ ક્યારેય જોઈ નથી તેવી છે. તેની અંદર એક તોફાન બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.” ફિલ્મની સત્તાવાર વાર્તા ગોંડ જનજાતિની સમૃદ્ધ સંસ્કૃતિ અને તેમની જીવનશૈલીની આસપાસ વણાયેલી છે, જેમાં રશ્મિકા તીવ્ર લાગણીઓ અને અદ્ભુત એક્શન સાથે ગોંડ મહિલાનું પાત્ર ભજવી રહી છે.
આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર રવિન્દ્ર પુલ્લે (Rawindra Pulle) પોતાનું ડિરેક્ટર તરીકેનું ડેબ્યૂ કરી રહ્યા છે, જેમણે આ ફિલ્મની વાર્તા પણ લખી છે. અન્ફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ અજય સાઈપુરેડ્ડી, અનિલ સય્યાપુરેડ્ડી અને વીરાસાઈ ગોપા દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. શ્રેયસ કે. કૃષ્ણાએ સિનેમેટોગ્રાફી સંભાળી છે અને જેક્સ બિજોયે સંગીત આપ્યું છે. ઈન્ટરનેશનલ એક્શન કોરિયોગ્રાફર એન્ડી લોંગ અને કીચા દ્વારા ફિલ્મના ધમાકેદાર એક્શન સીન્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ફિલ્મમાં રશ્મિકા ઉપરાંત ઈશ્વરી રાવ, ગુરુ સોમસુંદરમ, રાહુલ રવિન્દ્રન, સમુથિરાકની અને રાવ રમેશ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
