આણંદ: આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ચૂંટણીનો મહત્વપૂર્ણ કાર્યક્રમ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ઉમરેઠ પેટાચૂંટણીની મહત્વની તારીખો નીચે મુજબ છે:
- જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: ૩૦ માર્ચ ૨૦૨૬ (સોમવાર).
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૬ એપ્રિલ ૨૦૨૬.
- મતદાનની તારીખ: ૨૩ એપ્રિલ ૨૦૨૬ (ગુરુવાર).
- મત ગણતરી: ૦૪ મે ૨૦૨૬ (સોમવાર).
મતદારો અને વ્યવસ્થાના આંકડા
આ પેટાચૂંટણીમાં ઉમરેઠ મતક્ષેત્રના કુલ ૨,૪૨,૮૩૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ૧,૦૫,૯૯૦ પુરુષ અને ૧,૦૦,૯૦૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે કુલ ૩૦૬ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે.
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને મીડિયા માધ્યમો માટે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૨૬(ક) મુજબ, તા. ૦૯.૦૪.૨૦૨૬ના ગુરુવાર સવારના ૦૭:૦૦ વાગ્યાથી તા. ૨૯.૦૪.૨૦૨૬ના બુધવાર સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ના પરિણામો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, મતદાનના ૪૮ કલાક પૂર્વે ‘ઓપિનિયન પોલ’ કે અન્ય કોઈ પણ સર્વેક્ષણ પ્રદર્શિત કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને ૨ વર્ષ સુધીની જેલ અથવા દંડની સજા થઈ શકે છે.


૨૪x૭ કંટ્રોલ રૂમની સુવિધા
ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે માહિતી માટે કલેક્ટર કચેરી, આણંદ ખાતે ૨૪x૭ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૨૫ ૨૫૬૦ પર સંપર્ક કરી શકે છે.
