અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલના ભક્તિ સર્કલ પાસે એક પૂરઝડપે આવતી લક્ઝરી BMW કારે રોડ પર જતી પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી અને કાર કાબુ બહાર જઈ સીધી નજીકના AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી.
બસ સ્ટેન્ડ ધરાશાયી, BMWના કુરચા બોલાયા
BMW કારની સ્પીડ એટલી વધારે હતી કે બસ સ્ટેન્ડના લોખંડના એંગલ અને પતરાં તૂટી પડ્યા હતા. ટક્કર બાદ BMW કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો એકઠા થઈ જાય તે પહેલા જ લક્ઝરી કારનો ચાલક ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
રિક્ષાચાલકની હાલત ગંભીર
આ દુર્ઘટનામાં રિક્ષાચાલકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે રિક્ષાચાલક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો, જેને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ તપાસ અને મહારાષ્ટ્ર કનેક્શન
ઘટનાની જાણ થતા જ ‘આઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર BMW કાર મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું ખૂલ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલકની શોધખોળ તેજ કરી છે. એક ટીમ હોસ્પિટલમાં ભોગ બનનારનું નિવેદન લેવા મોકલવામાં આવી છે, જ્યારે બીજી ટીમ કાર નંબરના આધારે માલિક સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે.
અમદાવાદમાં વધતા જતા નબીરાઓના સ્ટંટ અને પૂરઝડપે કાર ચલાવવાના કિસ્સાઓએ ફરી એકવાર નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.
